વધુ સારું રોકાણ કયું છે, એનએફઓ કે વર્તમાન ફંડ્સ?
2 મિનિટ 21 સેકન્ડનું વાંચન

કોઈ પણ સમય રોકાણ માટે સારો જ હોય છે. વાત જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની થતી હોય ત્યારે રોકાણકારો ઘણીવાર એવી દ્વિધામાં મૂકાઈ જતાં હોય છે કે, તેમણે ન્યૂ ફંડ ઑફર્સ (એનએફઓ)માં રોકાણ કરવું જોઇએ કે વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં? આ પ્રત્યેક વિકલ્પની વચ્ચેનો તફાવત અને તેમના સંભવિત લાભને સમજવાથી તમને યોગ્ય જાણકારી સાથે નિર્ણય લેવામાં ઘણી મદદ મળી રહેશે.
એક એનએફઓ કોઈ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ હોય છે, જે સ્ટોક માર્કેટના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને સમાન હોય છે. રોકાણકારો સામાન્ય કિંમતોએ, ખાસ કરીને પ્રતિ યુનિટ રૂ. 10ની કિંમતે આ મ્યુચ્યુઅલ ફંડના યુનિટોને સબસ્ક્રાઇબ કરી શકે છે. એકવાર એનએફઓનો સમયગાળો પૂરો થઈ જાય તે પછી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટો તેની નેટ એસેટ વેલ્યૂ (NAV) એ ખરીદવા માટે ઉપલબ્ધ હોય છે.
તો બીજી તરફ, વર્તમાન ફંડ્સ ઘણાં લાંબા સમયથી રહેલા હોય છે અને તેનો ઘણો લાંબો ભૂતકાળ હોય છે, જે એક ટ્રેક રેકોર્ડ પૂરો પાડે છે. વર્તમાન ફંડ્સ માટે રોકાણકારો તેણે સતત સારા પરિણામો આપ્યાં છે કે નહીં તથા તેની વર્તમાન NAV પર આધાર રાખીને આ ફંડ્સના યુનિટ ખરીદવા જોઇએ કે નહીં તેની સમીક્ષા કરી શકે છે.
તો પછી, તમારા માટે કયો વિકલ્પ વધુ સારો છે? આ બાબતનો આધાર તમારી વ્યક્તિગત પરિસ્થિતિ અને ઉદ્દેશ્યો પર રહેલો છે. તો ચાલો, NFO અને વર્તમાન ફંડ્સના કેટલાક ફાયદા જોઇએ, જે તમને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરવામાં મદદરૂપ થશે.
NFO વિરુદ્ધ વર્તમાન ફંડ્સ
NFOઓમાં રોકાણ કરવાના ફાયદા આ મુજબ છેઃ
> વૈવિધ્યીકરણના લાભ
ઘણીવાર NFOs નવી વ્યૂહરચના અને નવા પ્રકારના ફંડ્સને લઈને આવે છે, જે અગાઉ ઉપલબ્ધ નહોતા. તેનાથી તમારા રોકાણમાં વૈવિધ્યીકરણ આવે છે.
> ઉભરી રહેલા વલણોનું ઍક્સેસ
NFO ઘણીવાર બજારના નવા ઉભરી રહેલા વલણોને અનુરૂપ હોય છે. જો કોઈને કોઈ ચોક્કસ ક્ષેત્ર કે થીમ તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચે તે પહેલાં જ તેમાં રોકાણ કરવાની તક મળે તો, તેમાંથી વધુ સારા વળતરની આશા રાખી શકાય.
> પ્રમાણમાં ઓછી ખર્ચાળ એન્ટ્રી
મોટાભાગના NFOની એન્ટ્રી પ્રાઇઝ પ્રતિ યુનિટ રૂ. 10 જેટલી ઓછી હોય છે, જેના લીધે તેને ખરીદવાનું સરળ બની જાય છે અને રોકાણકારને નાનું રોકાણ કરીને વધુ યુનિટ્સ પ્રાપ્ત થાય છે.
વર્તમાન ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા આ મુજબ છેઃ
> કાર્યદેખાવનો સાબિત થયેલો રેકોર્ડ
સ્થાપિત થયેલા ફંડ્સ તેના વળતર અને અસ્થિરતાનો ટ્રેક રેકોર્ડ ધરાવતા હોય છે, જે માર્કેટની વિવિધ સાઇકલની પરિસ્થિતિઓ હેઠળ તેના કાર્યદેખાવ અંગે તમને ઊંડી જાણકારી પૂરી પાડે છે.
> સ્થાપિત થયેલો અને વૈવિધ્યસભર પોર્ટફોલિયો
તે તમને પહેલેથી વૈવિધ્યસભર થયેલો પોર્ટફોલિયો પૂરો પાડે છે, આથી તે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર અને ફંડ મેનેજરોના નિર્ણયોને કારણે પેદા થતાં પ્રારંભિક જોખમની શક્યતાને દૂર કરી દે છે.
> વિવિધ વિકલ્પોની ઉપલબ્ધતા
રોકાણકારો પાસે નાણાંનાં કાર્યદેખાવ, રિસ્ક-એડજેસ્ટેડ વળતર અને ફંડ મેનેજરની કુશળતા પર આધાર રાખીને પસંદ કરી શકાતા ફંડ્સને પસંદ કરવાનો વિકલ્પ રહે છે.
અહીં એ બાબત નોંધવી જોઇએ કે, NFO માર્કેટના સમય અને વ્યૂહરચના પર આધારિત હોય છે, જે તક તો પૂરી પાડે છે પણ તેમાં જોખમ પણ ઘણું હોય છે. વર્તમાન ફંડ્સ સ્થાપિત થયેલી વ્યૂહરચના અને વૈવિધ્યીકરણનો લાભ આપે છે પરંતુ સેચ્યુરેટેડ માર્કેટમાં તેના કાર્યદેખાવમાં ચઢાવ-ઉતારનો સામનો કરવો પડી શકે છે.
આખરે, NFO અને વર્તમાન ફંડ્સ વચ્ચે પસંદગી કરવાનો આધાર તમારા રોકાણના લક્ષ્યો, જોખમ સહન કરવાની ક્ષમતા અને માર્કેટના આઉટલૂક પર રહેલો છે. જો તમે સાહસિક રોકાણકાર હો તથા નવી થીમ્સ અને વ્યૂહરચનાઓ પર જોખમ લેવા માંગતા હો તો, NFO તમારા માટે સારો વિકલ્પ છે. પરંતુ જો તમે સ્થિરતા, પારદર્શકતા અને સાબિત થયેલા ટ્રેક રેકોર્ડને પ્રાથમિકતા આપતાં હો તો, વર્તમાન ફંડ્સ તમારા માટે વધુ સારો વિકલ્પ છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.