ગ્રોથ ફંડ એટલે શું?
1 મિનિટ 42 સેકન્ડનું વાંચન

ગ્રોથ ફંડ એ એક રોકાણની યોજના છે, જેને મૂડીના મૂલ્યમાં વૃદ્ધિ કરવા માટે બનાવવામાં આવી હોય છે. આથી, જે રોકાણકારો લાંબાગાળે તેમની સંપત્તિમાં વધારો કરવા માંગતા હોય, તેમના માટે ગ્રોથ ફંડ એ રોકાણનો એક સારો વિકલ્પ છે. આ પ્રકારના ફંડ સામાન્ય રીતે એવી એસેટ્સમાં રોકાણ કરતાં હોય છે, જેની રચના વૃદ્ધિ માટે કરવામાં આવી હોય છે, જેમ કે, ઇક્વિટી શૅર્સ, કારણ કે, એવું માનવામાં આવે છે કે, સમયની સાથે તેનું મૂલ્ય વધે છે. ગ્રોથ ફંડ્સ નિયમિત અંતરાલે આવક પૂરી પાડવાને બદલે મૂડીના મૂલ્યમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
તમે જ્યારે ગ્રોથ ફંડ્સમાં રોકાણ કરો છો ત્યારે, તમે જેના મૂલ્યમાં વૃદ્ધિ થવાની અપેક્ષા હોય તેવા ઇક્વિટી શૅર્સનો પોર્ટફોલિયો ખરીદો છો. સામાન્ય રીતે તે વિવિધ કંપનીઓના સ્ટોક્સ હોય છે, જે વિકસી રહ્યાં હોય છે કે ભવિષ્યમાં વિકસવાની આશા હોય છે. તેની પાછળનો મૂળભૂત વિચાર એ છે કે, આ કંપનીઓ ભવિષ્યમાં જેમ-જેમ વિકાસ સાધશે, તેમ-તેમ તેના સ્ટોકની કિંમતો પણ વધશે, જેના પરિણામે ગ્રોથ ફંડના મૂલ્યમાં પણ વધારો થશે.
જોકે, ગ્રોથ ફંડ્સમાં રોકાણ કરતી વખતે રોકાણકારે ધીરજ રાખવી જરૂરી છે અને મધ્યમથી લાંબાગાળાનો દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે, કારણ કે, આ ફંડ્સમાંથી પ્રાર્ત થતું વળતર ઇક્વિટી માર્કેટના કાર્યદેખાવ સાથે જોડાયેલું છે, જે ટૂંકાગાળામાં અસ્થિર હોઈ શકે છે. એક એસેટ ક્લાસ તરીકે ઇક્વિટીએ લાંબાગાળામાં મોટાભાગના રોકાણના સ્વરૂપોમાં શ્રેષ્ઠ કાર્યદેખાવ કર્યો હોવા છતાં આ પ્રકારના રોકાણના મૂલ્યમાં નોંધપાત્ર વધ-ઘટ થતી હોવાનું જોવા મળ્યું છે, ખાસ કરીને ટૂંકાગાળામાં.
ગ્રોથ ફંડમાં રોકાણ કરતાં પહેલાં અહીં ઉપર જણાવેલી બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ગ્રોથ ફંડમાં અંતર્નિહિત ઇક્વિટી શૅર્સનું મૂલ્ય અનેકવિધ પરિબળોને કારણે પ્રભાવિત થઈ શકે છે, જેમાં અન્ય કેટલીક બાબતોની સાથે બજારનું વલણ, આર્થિક પરિસ્થિતિ અને કંપનીના કાર્યદેખાવનો સમાવેશ થાય છે. તેના પરિણામે ટૂંકાગાળામાં ગ્રોથ ફંડ્સમાંથી પ્રાપ્ત થતાં વળતરમાં પણ વધઘટ થઈ શકે છે, જેના લીધે ક્યારેક વચગાળાના નુકસાનો પણ વેઠવા પડી શકે છે.
ગ્રોથ ફંડ્સ એ મૂડીના મૂલ્યમાં વૃદ્ધિ કરીને સંપત્તિનું સર્જન કરવાનો શ્રેષ્ઠ મૉડ છે, ખાસ કરીને જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવા માંગતા હો તો. તેમાં ટૂંકાગાળાની અસ્થિરતાનું જોખમ તો રહેલું છે પરંતુ લાંબાગાળે ખૂબ ઊંચું વળતર આપવાની તેની ક્ષમતા તેને માર્કેટના ચઢાવ-ઉતારની સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવી દે છે.
જો તમે ટૂંકાગાળામાં થતાં નુકસાનો જોઇને ડરી જનારા રોકાણકાર હો તો, ગ્રોથ ફંડ્સ એ તમારા માટે યોગ્ય વિકલ્પ નથી. પરંતુ જો તમે ધીરજ રાખનારા રોકાણકાર હો, કે જેઓ માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર સામે બાથ ભીડી શકે છે, તેમના માટે ગ્રોથ ફંડ્સ લાંબાગાળે સારું વળતર આપનારું રોકાણ છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.