મ્યુચ્યુઅલ ફંડ્સમાં લિક્વિડિટી એટલે શું?
2 મિનિટ વાંચન

નાણાકીય બજારોમાં રોકાણ કરવું એ ઘણાં લોકો માટે સારું વળતર આપવાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ તમારી રોકાણની પસંદગીઓને પ્રભાવિત કરી શકે તેવા વિવિધ કૉન્સેપ્ટ્સને સમજવા પણ એટલા જ મહત્વના છે. આવો જ એક મહત્વનો કૉન્સેપ્ટ લિક્વિડિટી છે.
તો, લિક્વિડિટી એટલે શું? રોકાણના ક્ષેત્રમાં લિક્વિડિટી એટલે કોઈ વ્યક્તિ તેના રોકાણને કેટલી ઝડપથી અને કેટલી સરળતાથી રોકડ નાણાંમાં ફેરવી શકે છે. કોઈ એસેટ ખૂબ જ લિક્વિડ હોય તો તમે તેને ખૂબ જ ઝડપથી રોકડ નાણાંમાં ફેરવી શકો છો અને આ રીતે રૂપાંતરણ કરવામાં ખર્ચ પણ ઓછો થશે. પરંતુ જો એસેટ ઓછી લિક્વિડ હશે તો તેને રોકડ નાણાંમાં રૂપાંતરિત કરવામાં સમય અને ખર્ચ બંને વધુ થશે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં લિક્વિડિટીઃ મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણ કરવાનો માર્ગ છે, જેમાં ઘણાં બધાં લોકો તેમના નાણાંને એકઠાં કરીને ભંડોળ બનાવે છે અને ફંડ મેનેજર તે નાણાંને સ્ટોક, બૉન્ડ્સ અથવા તો અન્ય કોઈ એસેટ્સના મિશ્રણમાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા નાણાંને બહાર કાઢવાનું કેટલું સરળ છે, તેનો આધાર ફંડ જે એસેટમાં રોકવામાં આવ્યાં છે, તેને ખરીદવાનું કે વેચવાનું કેટલું સરળ છે, તેના પર રહેલો છે.
જો મ્યુચ્યુઅલ ફંડ જાણીતા સ્ટોક્સ કે ગવર્મેન્ટ બૉન્ડ જેવી ખરીદવાની કે વેચવાની સરળ હોય તેવી કોઈ સિક્યુરિટીમાં રોકાણ કરે તો, તેને વધુ લિક્વિડ માનવામાં આવે છે. પરંતુ જો ફંડ ખાસ વધારે ટ્રેડ થતાં ના હોય તેવી કોઈ એસેટ્સમાં રોકાણ કરે, તો તમારે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે તમને તે મળવામાં વિલંબ થઈ શકે છે.
વધુમાં મ્યુચ્યુઅલ ફંડ્સની લિક્વિડિટી તમારી રોકાણની પસંદગીઓને આ રીતે પ્રભાવિત કરી શકે છેઃ
ટૂંકાગાળાનું વિરુદ્ધ લાંબાગાળાનું રોકાણઃ ટૂંકાગાળાનું વિરુદ્ધ લાંબાગાળાનું રોકાણઃ જો તમે ટૂંકાગાળા માટે રોકાણ કરવાની યોજના બનાવતા હો તો, ખૂબ જ લિક્વિડ એસેટ્સ આદર્શ ગણાય છે, કારણ કે, તેને ઝડપથી વેચી શકાય છે. લાંબાગાળાના રોકાણ માટે લિક્વિડિટીને ખાસ પ્રાથમિકતા આપવી જોઇએ નહીં, કારણ કે, રોકાણકારો સામાન્ય રીતે સમયાંતરે સંભવિત વૃદ્ધિ પર ધ્યાન આપીને માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતાર દરમિયાન તેમની એસેટ જાળવી રાખવા માંગતાં હોય છે.
જોખમનું નિયમનઃ જો તમે ઓછું જોખમ લેવા માંગતા હો તો, ખૂબ જ લિક્વિડ હોય તેવી એસેટ્સ સારો વિકલ્પ છે, કારણ કે, તેની માંગ ખૂબ વધારે હોય છે અને તેમાં વધ-ઘટ પણ ઓછી થતી હોય છે. ઓછી લિક્વિડ હોય તેવી એસેટ્સ તેની વધારે પડતી અસ્થિરતાને લીધે વધુ જોખમી હોય છે અને તેને વેચવા જતાં ખર્ચ પણ વધારે થવાની સંભાવના રહેલી હોય છે.
ઇમર્જન્સી પરિસ્થિતિઓને સંભાળવીઃ ખૂબ વધારે લિક્વિડ હોય તેવી એસેટ્સને ઝડપથી વેચવી સરળ હોય છે, જેના લીધે તે ઇમર્જન્સીની પરિસ્થિતિઓ માટે ખૂબ અનુકૂળ ગણાય છે. ઓછી લિક્વિડ એસેટ્સને વેચવામાં વધારે સમય લાગે છે, આથી તમારે જ્યારે વહેલીતકે રોકડ નાણાંની જરૂર હોય ત્યારે તે સમસ્યારૂપ બની શકે છે.
આ સિવાય, લિક્વિડિટીનું જોખમ એવી પરિસ્થિતિને સંદર્ભિત કરે છે, જેમાં રોકાણકાર તેના રોકાણને સરળતાથી રોકડ નાણાં ફેરવી શકતો નથી.
આથી, લિક્વિડિટીને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, તે તમારા રોકાણને કેટલી સરળતાથી રોકડ નાણાંમાં ફેરવી શકાય છે, તેના પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે તથા તે સર્વસામાન્ય જોખમો અને પોર્ટફોલિયોના વળતરને પણ પ્રભાવિત કરે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.