ETFs Vs મ્યુચ્યુઅલ ફંડ્સ - તફાવત શું છે?
1 મિનિટ 47 સેકન્ડનું વાંચન

એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) અને મ્યુચ્યુઅલ ફંડ્સ બંને રોકાણનાવિકલ્પો છે. જોકે, તેમનું માળખું, સંચાલન અને ટ્રેડિંગનીપદ્ધતિઓ અલગ-અલગ છે. રોકાણના આ વિકલ્પો વચ્ચેના તફાવતને સમજવાથી તે તમને રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય લક્ષ્યો મુજબ રોકાણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની સમજણઃ
- એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) પરોક્ષ રીતે સંચાલિત થતાં રોકાણના સાધનો છે, જેનો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ ઇન્ડેક્સ, જેમ કે, નિફ્ટી 50 કે સેન્સેક્સના પર્ફોમન્સનું અનુકરણ કરવાનો છે. તેની રચના ફંડ મેનેજર દ્વારા સક્રિયપણે નિર્ણય લીધા વગર કોઈ ઇન્ડેક્સને ટ્રેક કરવા માટે થઈ હોવાથી ETFsની ઓવરહેડ કોસ્ટ ઓછી હોય છે અને તેના પરિણામે તેનો ખર્ચ ગુણોત્તર પણ પ્રમાણમાં નીચો હોય છે. ETFsને નિયમિત સિક્યુરિટીઝની જેમ સીધા સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરવામાં આવે છે, જેની કિંમતો માર્કેટમાં માંગ અને પુરવઠા પર આધાર રાખીને ટ્રેડિંગના સમગ્ર દિવસ દરમિયાન વધ-ઘટ થાય છે. આ બાબત ETFsને વધુ ફ્લેક્સિબલ અને લિક્વિડ બનાવે છે, કારણ કે, રોકાણકારો માર્કેટના કલાકો દરમિયાન તેની લે-વેચ કરી શકે છે. જોકે, ETFsનો વિકલ્પ પસંદ કરતાં પહેલાં રોકાણકારોએ માર્કેટના સંચાલન અને તેમાં આવતાં ચઢાવ-ઉતાર પ્રત્યે સભાન રહેવું જોઇએ, કારણ કે, તેમનું પર્ફોમન્સ તેઓ જે ઇન્ડેક્સને અનુસરે છે, તેની સાથે સીધી રીતે જોડાયેલું હોય છે.
- મ્યુચ્યુઅલ ફંડ્સ
તેનાથી વિપરિત મ્યુચ્યુઅલ ફંડ્સનું સંચાલન ફંડ મેનેજર દ્વારા થાય છે, જેઓ ચોક્કસ હેતુને હાંસલ કરવા માટે રોકાણની એસેટ્સને પસંદ કરે છે અને તેને એડજેસ્ટ કરે છે. આ ફંડ્સ ઇક્વિટી, ડેટ અને તે બંનેના મિશ્રણ પર કેન્દ્રિત છે. ફંડ મેનેજરો તેમાં સીધા સંકળાયેલા હોવાથી અને તેઓ સક્રિયપણે તેનું નિયમન કરતાં હોવાથી મ્યુચ્યુઅલ ફંડ્સનો ખર્ચ ગુણોત્તર અને વહીવટી ચાર્જિસ પ્રમાણમાં વધારે હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્ઝેક્શન નેટ એસેટવેલ્યૂ (NAV) પર આધાર રાખીને દિવસના અંતે કરવામાં આવે છે અને રોકાણકારો એસેટ મેનેજમેન્ટ કંપની મારફતે યુનિટની સીધી લે-વેચ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રોફેશનલ સહાય અને લાંબાગાળાનું મેનેજમેન્ટ પૂરું પાડે છે પરંતુ તેના ટ્રાન્ઝેક્શન માર્કેટના કલાકોને બદલે NAVના મૂલ્યાંકન પર આધારિત હોવાથી તે ઓછાં ફ્લેક્સિબલ છે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે, મ્યુચ્યુઅલ ફંડનું પ્રોફેશનલ મેનેજમેન્ટ ઉપલબ્ધ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના પરિણામોની કોઈ બાંયધરી હોતી નથી.
ETFs અને મ્યુચ્યુઅલફંડ્સ વચ્ચેનો તફાવત જાણવાથી રોકાણકારો તેમના લક્ષ્યોની સાથે સુસંગત હોય તેવો વિકલ્પ પસંદ કરી શકે છે. જે રોકાણકારો ખર્ચ ઘટાડવા માગતા હોય, ટ્રેડિંગની ફ્લેક્સિબિલિટી અને ઇન્ડેક્સ સાથે સંકળાયેલું પર્ફોમન્સ ઇચ્છતા હોય તેમના માટે ETFs આકર્ષક વિકલ્પ છે, જ્યારે પોતાના રોકાણ માટે પ્રોફેશનલ મેનેજમેન્ટ શોધી રહેલા રોકાણકા રોમ્યુચ્યુઅલ ફંડ્સને પસંદ કરી શકે છે.
અસ્વીકરણ: મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.