મ્યુચ્યુઅલ ફંડ્સ Vs બૉન્ડ્સ
1 મિનિટ 30 સેકન્ડનું વાંચન

રોકાણનું આયોજન કરતી વખતે પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરવા માટે રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બૉન્ડ્સની વચ્ચેના તફાવતને જાણવો જરૂરી છે. રોકાણના આ બંને સાધનો ડેટ અને ઇક્વિટી એમ બંને માર્કેટમાં રોકાણ કરતાં હોવા છતાં તેમની લાક્ષણિકતાઓ અલગ-અલગ છે, જે રોકાણકારોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ એ એકઠું કરવામાં આવેલું રોકાણ છે, જેને એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ ફંડ્સ ઇક્વિટી, ડેટ કે આ બંનેના સંયોજનમાં રોકાણ કરે છે, જે જોખમ લેવાની વિવિધ ક્ષમતાઓ અને લક્ષ્યો ધરાવતા રોકાણકારો માટે તેને અનુકૂળ વિકલ્પ બનાવે છે. મ્યુચ્યુઅલ ફંડની સાથે સંકળાયેલા જોખમનો આધાર ફંડના પ્રકાર પર રહેલો છે, એટલે કે, ઇક્વિટી ફંડ વધારે જોખમી હોય છે, જ્યારે ડેટ ફંડ્સ પ્રમાણમાં ઓછાં જોખમી હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી પ્રાપ્ત થતું વળતર માર્કેટની સાથે સંકળાયેલું હોય છે અને પર્ફોમન્સ પર આધાર રાખીને તેમાં વધ-ઘટ થઈ શકે છે. આ ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે લિક્વિડિટી પણ આપે છે, જેના કારણે રોકાણકારો તેમના રોકાણને સરળતાથી રીડીમ પણ કરી શકે છે. વધુમાં, પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા તેને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મેનેજ પણ કરવામાં આવે છે, જે તેને વિવિધ લક્ષ્યો અને જોખમ સહન કરવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે એક બહુમુખી વિકલ્પ બનાવે છે.
તેનાથી વિપરિત બૉન્ડ્સ નાણાં ઊભા કરવા માટે કૉર્પોરેશન્સ કે સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ફિક્સ્ડ-ઇન્કમ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ છે. આ રોકાણમાં ઓછું જોખમ હોય છે, કારણ કે, તે પૂર્વ-નિર્ધારિત વળતર પૂરું પાડી બૉન્ડની મુદત દરમિયાન સ્થિરતા પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની સરખામણીએ બૉન્ડની લિક્વિડિટી ઓછી હોય છે, કારણ કે, રોકાણકારોએ તેમના નાણાંને મેળવવા માટે પાકતી મુદત સુધી તેને જાળવી રાખવા પડે છે. એકવાર ખરીદ્યા પછી બૉન્ડ્સને સક્રિયપણે મેનેજ કરવાની જરૂર પડતી નથી, જે તેને રોકાણનો એક સીધો-સરળ વિકલ્પ બનાવે છે. બૉન્ડ્સ મુખ્યત્વે પરંપરાગત રોકાણકારો માટે અનુકૂળ છે, જેઓ માર્કેટમાં આવતા નોંધપાત્ર ચઢાવ-ઉતારના સંપર્કમાં આવ્યાં વગર એક સ્થિર અને પૂર્વ-નિર્ધારિત વળતર મેળવવા માગતા હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ અને બૉન્ડમાંથી કોને પસંદ કરવા તેનો આધાર રોકાણના લક્ષ્ય, જોખમ સહન કરવાની ક્ષમતા અને રોકાણકારના નાણાકીય હેતુઓ પર રહેલો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે સંભવિત વળતર મેળવવા અને વૈવિધ્યીકરણ કરવા માગતા લોકોને અનુકૂળ આવે છે, જ્યારે બૉન્ડ્સ સ્થિરતા પૂરી પાડે છે અને ઓછું જોખમ ધરાવે છે, જે તેને પરંપરાગત પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારો માટે એક સલામત વિકલ્પ બનાવે છે. રોકાણની એક સુસંતુલિત વ્યૂહરચનામાં આ બંને વિકલ્પો એકબીજાને પૂરક બની રહે છે.
અસ્વીકરણઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.