સ્ટેપ અપ SIP એટલે શું?
1 મિનિટ 55 સેકન્ડનું વાંચન

તમે કેટલું રોકાણ કરી શકો છો, તેનો આધાર ઘણીવાર તમારી આવક, તમે તમારા અંગત જીવનમાં કેવી સ્થિતિમાં છો અને તમારા માસિક ખર્ચાઓ કેવી રીતે બદલાય છે, તેના પર રહેલો હોય છે. ફુગાવાની સાથે કદમતાલ મિલાવવા અને તમારા લક્ષ્યો સુધી સમયસર પહોંચવા માટે તમારું રોકાણ પણ વધે તે મહત્વનું છે.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો એક અદભૂત રસ્તો છે. SIPની મદદથી તમે તમારા બજેટને અનુકૂળ આવે તેવી નાની-નાની રકમનું નિયમિતપણે રોકાણ કરી શકો છો, પછી તે અઠવાડિક ધોરણે હોઈ શકે, માસિક કે ત્રિમાસિક ધોરણે હોઈ શકે. તમારા રોકાણને વધુ અસરકારક બનાવવા માટે તમે ઑટોમેટેડ ફીચરનો પણ લાભ લઈ શકો છો, જે તમારા યોગદાનને એક નિશ્ચિત અંતરાલે વધાર્યા કરે છે.
તમે સ્ટેપ-અપ SIPનો ઉપયોગ કરીને આમ કરી શકો છો.
સ્ટેપ-અપ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP): સ્ટેપ-અપ SIP તમારા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકેલી રકમને એક નિશ્ચિત ટકાવારીમાં આપમેળે વધાર્યા કરે છે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે તમારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ સ્ટેપ-અપ SIP શરૂ કરી દો.
સ્ટેપ-અપ SIPનું ઉદાહરણઃ હવે કલ્પના કરો કે તમે રૂ. 20,000ની પ્રારંભિક રકમની સાથે SIP શરૂ કરો છો. દર વર્ષે તમે તમારી SIPની રકમને 10% વધારવાની યોજના બનાવો છો. અહીં નીચે સ્ટેપ-અપ કેવી રીતે કામ કરશે, તે દર્શાવવામાં આવ્યું છેઃ
વર્ષ 1: તમે રૂ. 20,000થી શરૂઆત કરો છો.
વર્ષ 2: તમે SIPને 10% વધારો છો, આથી તમે રૂ. 22,000 કરવા માટે તેમાં રૂ. 2,000 ઉમેરો છો.
વર્ષ 3: આ રીતે 10% વધારવાનું ચાલું રાખવા તમે રૂ. 24,200 કરવા માટે તેમાં રૂ. 2,200 ઉમેરો છો.
આથી, પ્રથમ વર્ષે તમારી SIPની રકમ રૂ. 20,000 હશે, બીજા વર્ષે 22,000 હશે અને ત્રીજા વર્ષે રૂ. 24,200 હશે.
હવે તમને લાગતું હશે કે, તમારે તમારી SIPને સ્ટેપ-અપ શા માટે કરવી જોઇએ?
તમારી SIPને સ્ટેપ-અપ કરીને તમેઃ
> તમારી આવક વધવાની સાથે તમે વધુ રોકાણ કરી શકો છો.
> ફુગાવા અને વધતી જઈ રહેલી કિંમતોની સામે તમે તમારી બચતને સુરક્ષિત રાખી શકો છો.
> વધારાના યોગદાનની મદદથી તમારી સંપત્તિને ઝડપથી વધારી શકો છો.
> તમારા બદલાતા નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવા માટે તમારા રોકાણને એડજેસ્ટ કરી શકો છો.
> નિયમિત યોગદાન આપીને શિસ્તબદ્ધ રીતે બચત કરવાની ટેવ કેળવી શકો છો.
> જરૂરિયાત મુજબ તમારા રોકાણને સરળતાથી મેનેજ અને એડજેસ્ટ કરી શકો છો.
સ્ટેપ-અપ SIP આ રીતે શરૂ કરી શકાય છેઃ
સ્ટેપ 1: તમારા પ્રારંભિક રોકાણની રકમ અને વાર્ષિક વધારાને નક્કી કરો.
સ્ટેપ 2: તમે પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં તમારી સ્ટેપ-અપ SIPને સેટ કરો.
સ્ટેપ 4: આયોજન મુજબ નિયમિત યોગદાન આપતાં રહો.
સ્ટેપ 5: તમારા લક્ષ્યો પર અડગ રહેવા માટે નિયમિતપણે તમારી SIPની સમીક્ષા કરો અને તેમાં ફેરફાર કરો.
આમ, સ્ટેપ-અપ SIP એ આવકને વધારવા માટે એક અદભૂત વિકલ્પ છે. તેની મદદથી તમે તમારા રોકાણને ધીમે-ધીમે વધારી એક મજબૂત નાણાકીય અસ્કયામતનું સર્જન કરી શકો છો, એક વૃક્ષની જેમ, જે સમયાંતરે વૃદ્ધિ પામીને ઘટાદાર બને છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.