સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એટલે શું?
2 મિનિટ 32 સેકન્ડનું વાંચન

સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) એ એક નાણાકીય વ્યૂહરચના છે, જેની મદદથી રોકાણકારો સમયાંતરે એક રોકાણમાંથી ધીમે-ધીમે તેમના નાણાંને અન્ય રોકાણમાં ટ્રાન્સફર કરી શકે છે. ઘણીવાર તેનો ઉપયોગ રોકાણને ઇક્વિટી અને ડેટ જેવા એસેટ વર્ગોની વચ્ચે ફેરવવા માટે થાય છે, જે રોકાણકારોને માર્કેટની તકોનો ફાયદો લેવાની સાથે જોખમને મેનેજ કરવામાં મદદરૂપ થાય છે. એક જ વારમાં એક સામટી રકમનું રોકાણ કરવાને બદલે STPs રોકાણને નિયમિત અંતરાલે ફેલાવીને કરે છે, જે માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારની સામે રક્ષણ પૂરું પાડે છે.
સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની વિશેષતાઓ
STPs રોકાણકારો માટે ઘણો ફાયદારૂપ છે. તે માર્કેટની ટૂંકાગાળાની ગતિવિધિનું અનુમાન લગાવવાની જરૂરિયાતને દૂર કરીને સમયના જોખમને ઘટાડી દે છે, કારણ કે, માર્કેટની પરિસ્થિતિ ગમે તે હોય રોકાણ નિયમિત અંતરાલે થતું રહે છે.
સમયાંતરે રોકાણને ફેલાવીને STPs માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે, જેની મદદથી રોકાણકારો કિંમતો નીચી હોય ત્યારે વધુ યુનિટ અને કિંમતો ઊંચી હોય ત્યારે ઓછાં યુનિટ ખરીદી શકે છે. આ વ્યૂહરચના ખૂબ જ સ્થિતિસ્થાપક છે, જેની મદદથી રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યો પર આધાર રાખીને ટ્રાન્સફર કરવાની રકમ અને સમયગાળાને કસ્ટમાઇઝ કરી શકે છે. વધુમાં STPs ઓછું જોખમ ધરાવતા ડેટ ફંડ્સ અને વધારે જોખમ ધરાવતા ઇક્વિટી ફંડ્સનું બેલેન્સિંગ કરીને વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપે છે, જે અલગ-અલગ જોખમ સહન કરવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે તેને અનુકૂળ બનાવે છે.
એક સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન આ રીતે કામ કરે છેઃ
- પ્રારંભિક રીતે ડેટ ફંડમાં રોકાણ કરે છે: રોકાણકાર ઓછું જોખમ ધરાવતા ડેટ-ઓરિયેન્ટેડ ફંડમાં એકસામટી રકમનું રોકાણ કરીને રોકાણની શરૂઆત કરે છે, જેની પર સમયાંતરે વ્યાજ કમાઈ શકાય છે.
- ઇક્વિટી ફંડમાં નિયમિતપણે ટ્રાન્સફર: સમયાંતરે ડેટ ફંડમાંથી ઊંચું જોખમ ધરાવતા ઇક્વિટી ફંડમાં એક નિશ્ચિત રકમને ટ્રાન્સફર કરવામાં આવે છે.
- ક્રમિક રીતે સમાપન: જ્યાં સુધી સંપૂર્ણ રકમ ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર ના થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલું રહે છે, જે પદ્ધતિસરના રોકાણની ખાતરી કરે છે.
- જોખમનું નિયમન: માર્કેટમાં એકસામટી રકમને રોકવાને ટાળીને નાણાંને ક્રમિક રીતે ટ્રાન્સફર કરવાની આ વ્યૂહરચના માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારના પ્રભાવને ઘટાડી દે છે.
ધારો કે એક રોકાણકાર પાસે રોકાણ કરવા માટે ₹1,20,000 છે પરંતુ તે એકસામટી રકમનું ઇક્વિટી રોકાણ કરવાનું ટાળવા માંગે છે. આ રોકાણકાર ₹1,20,000ને ડેટ ફંડમાં રોકે છે, જેની પર તેમને વાર્ષિક 5%નું વળતર મળે છે. STP મારફતે તેઓ પ્રતિ માસ ₹10,000ને ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરે છે. આગામી 12 મહિનામાં:
- રોકાણકારને ડેટ ફંડમાં બાકી બચેલી રકમ પર વ્યાજ મળશે, ભલે પછી નાણાંને ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે.
- ઉદાહરણ તરીકે, પહેલાં ટ્રાન્સફર બાદ ડેટ ફંડમાં ₹1,10,000 બાકી રહે છે અને તેની પર વ્યાજ મળતું રહે છે, જે ઇક્વિટીના એક્સપોઝરને ઘટાડીને થોડું વળતર મળતું રહે તેની ખાતરી કરે છે.
- સમયાંતરે આ અભિગમ ઇક્વિટીની ખરીદીના ખર્ચને સરેરાશ થઈ રહે છે, જેમાં કિંમતો ઓછી હોય ત્યારે વધુ યુનિટ અને કિંમત ઊંચી હોય ત્યારે ઓછાં યુનિટ ખરીદવામાં આવે છે.
STEPs ખૂબ જ અસરકારક હોય શકે છે, જે લાંબાગાળાના લક્ષ્યો માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે, જ્યારે ઇક્વિટી રોકાણને વૃદ્ધિ પામવા અને સંયોજિત થવા માટે સમય લાગે છે. જે રોકાણકારો ઓછું જોખમ લેવા માગતા હોય તેઓ ડેટ ફંડમાં વધુ નાણાં ફાળવી શકે છે, જ્યારે જે રોકાણકારો વધુ વળતર મેળવવા માગતા હોય તેઓ ઇક્વિટીમાં વધુ રોકાણ કરી શકે છે. જોકે, STPs માર્કેટમાં થતાં ઘટાડાના જોખમ દૂર કરતો નથી, કારણ કે, ઇક્વિટી માર્કેટમાં લાંબા સમય સુધી રહેતી મંદી વળતરને હજુ પણ ઘટાડી શકે છે. વધુમાં STPમાં સામેલ ફંડ્સ માટેના ખર્ચ ગુણોત્તરની પણ સમીક્ષા કરવી જોઇએ, જેથી કરીને તે તમારા નાણાકીય હેતુઓની સાથે સુસંગત છે કે નહીં તેની ખાતરી કરી શકાય.
રોકાણની અન્ય કોઈ પણ વ્યૂહરચનાની જેમ STP શરૂ કરતાં પહેલાં નાણાકીય લક્ષ્યો, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના સમયગાળાનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. STPs ઘણાં લાભ પૂરો પાડતો હોવા છતાં તેના પરિણામો માર્કેટના કાર્યદેખાવને આધિન છે અને તેની કોઈ બાંયધરી નથી.
અસ્વીકરણઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.