મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે તમારે કેટલીક પાયારૂપ ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર હોય છે. આવી ઔપચારિકતાઓ સીધી એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) સાથે તેમની ઓફિસમાં કે ઓથોરાઇઝ્ડ પોઇન્ટ ઓફ એક્સેપ્ટન્સ (પીઓએ) પર પૂર્ણ કરી શકો છો અથવા અધિકૃત્ત મધ્યસ્થી જેવા કે સલાહકાર, બેંકર, વિતરક કે દલાલ મારફતે કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરતા પહેલા તમારે ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર હોય છે. પૂર્ણ કરેલું કેવાયસીનું ફોર્મ સ્કિમના અરજી પત્રની (કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ તરીકે પણ ઓળખાય છે) સાથે રજૂ કરી શકાય છે. અરજી પત્રને ધ્યાનપૂર્વક ભરવાનું હોય છે, કારણ કે તેમાં તમામ ખાતા ધારકનાં નામ, પાન નંબર, બેંક ખાતા નંબર જેવી મહત્ત્વપૂર્ણ માહિતી આપવાની હોય છે. તેના પર તમામ ખાતા ધારકોએ હસ્તાક્ષર કરવાના હોય છે. આમાંથી ઘણી પ્રક્રિયા ઓનલાઇન મંચ મારફતે પણ થઈ શકે છે.
નવા રોકાણકારો સમગ્ર પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવા માટે તેમના સલાહકાર પાસેથી મદદ લઈ શકે છે. અને રોકાણ કરતા પહેલા તમામ રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્કિમને લગતા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો વાંચે અને તેમની પસંદગીની સ્કિમનાં જોખમો જાણે.